ભારતભૂમિનાં મહાન ધર્મ પ્રવર્તક અને પ્રખર રાષ્ટ્રવાદી સ્વામિ વિવેકાનંદજીની ૧૫૧મી જન્મ જયંતિ મહોત્સવનાં આ શુભ વર્ષમાં સ્વામિજીનાં જીવન પ્રસંગો અને જીવન ચરીત્રનાં અનુસંધાનમાં અનેક લેખો અને પુસ્તકો વિવિધ ભાષાઓમાં અને વિવિધ સમાચાર પત્રોમાં અવિરત સ્મરણાંજલી સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યાં છે જે સહજ, સ્વાભાવિક, પ્રશંશનીય અને આવકાર્ય છે. સ્વામિ વિવેકાનંદજીનાં ઓગણ ચાલીશ વર્ષનાં જીવનકાળ દરમિયાન અનેક પ્રસંગો ઉદભવ્યા જેમાં તેઓ રાજા , મહારાજાઓ, દિવાનો, રાજનેતાઓ, સાધુ, સંતો, ધર્મગુરુઓ, તત્વજ્ઞાનીઓ, ક્રાતિવીરો, રાષ્ટ્રભક્તો, ધનવાનો, રંકો અને સામાન્ય માનવીઓનાં સંપર્કમાં આવ્યાં હતાં. આ બધાં પ્રસંગોમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયેલ એમનાં મિલનનાં પ્રસંગની રસસ્પ્રદ ઘટનાની જાણ અન્ય પ્રસંગોની જેમ સર્વ પ્રચલીત નથી. ભાવી મહાન ધર્મ પ્રવર્તક અને ચુસ્ત રાષ્ટ્રવાદી સ્વામિ વિવેકાનંદજી અને જગ પ્રસિદ્ધ સંસ્કૃતજ્ઞ, લેટિનનાં વિદ્વાન, ઓક્ષફર્ડ વિશ્વવિદ્યાલયનાં અનુસ્નાતક આર્યસમાજના વેદ પ્રચારક અને એક બાહોશ દિવાન અને ભવિષ્યનાં મહાન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં અનોખાં મિલનની ગાથા પણ જાણવાં જેવી છે.
કલકત્તાનાં પ્રસિદ્ધ કાળીકામાતાનાં મંદિરનાં સંત શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પટ્ટશિષ્ય નરેન્દ્રનાથ યાને ભવિષ્યનાં વિશ્વ પ્રખ્યાત સ્વામિ વિવેકાનંદ, જ્યારે એક અપરિચિત પરિવ્રાજક તરીકે ભારતમાં પરિભ્રમણ કરી રહ્યાં હતાં ત્યારે તેમનું આગમન તા. ૧૩મી નવેમ્બર ૧૮૯૧નાં દિને અજમેર શહેરમાં થયું. સ્વામિ વિવેકાનંદ પ્રથમ બે દિવસ ચુસ્ત અને પ્રખર વિદ્વાન આર્યસમાજી દિવાન બહાદુર શ્રી હરબિલાસ સારદાનાં ઘરે અતિથી તરીકે રહ્યાં હતાં. હરબિલાસ સારદાને ત્યાંથી સ્વામિ વિવેકાનંદ છાલેસર(અલીગઢ)નાં ઠાકુર મુકંદસિંઘ કે જેઓ ત્યારે અજમેરમાં એમનાં નિવાસ્થાને રહેતાં હતાં તેમેનાં આગ્રહને માન આપી, સ્વામિ વિવેકાનંદ તેમને ત્યાં રહેવાં ગયાં હતાં. સ્વામિ વિવેકાનંદ ઠાકુર મુકંદસિંઘને ત્યાં તા. ૨૫મી નવેમ્બર સુધી રોકાયાં હતાં જે દરમિયાન શ્રી હરબિલાસ સારદા દરરોજ તેમને મળવાં અને ચર્ચા અને ધર્મગોષ્ઠી કરવાં તેમને ત્યાં જતાં હતા. સ્વામિજી પણ શ્રી હરબિલાસ સારદાને ત્યાં આવતાં જતા રહેતાં હતાં. શ્રી હરબિલાસ સારદા સ્વામિ વિવેકાનંદનાં પ્રભાવ અને ચાતુર્યથી ઘણાં જ પ્રભાવિત થયાં હતાં. સ્વામિ વિવેકાનંદ અજમેરથી બ્યાવર થઈને ગુજરાતનાં પ્રવાસે જવા ઈચ્છુક હતાં આથી તા.૨૫-૧૧-૧૮૯૧નાં રોજ બપોરે હરબિલાસ સારદા સ્વયં તેમને બેવર જતી આગગાડી પર છોડવાં અજમેર સ્ટેશને ગયાં હતાં. આ સમય દરમિયાન પંડિત શ્યમજી કૃષ્ણવર્મા રતલામનાં દિવાનપદની યશસ્વિ જવાબદારી સંભાળ્યાં બાદ અજમેરેમાં ધંધાર્થે સ્થાયી થયેલાં હતાં. પંડિત શ્યમજી કૃષ્ણવર્મા સ્વામિ દયાનંદજીનાં પટ્ટ શિષ્ય અને આર્યસમાજનાં અગ્રગણ્ય કાર્યકર્તા હોવાને કારણે હરબિલાસ સારદાની સાથે એમને આત્મિય મિત્રાચારી સ્વાભાવિક હતી. સ્વામિ વિવેકાનંદનાં અજમેરનાં આ પ્રવાસ દરમિયાન પંડિત શ્યામજી પોતાનાં કામાર્થે બહાર ગામ ગયા હોવાને કારણે તેઓ અજમેરમાં ન હતાં. જ્યારે સ્વામિજીની વિદાયનાં બે દિવસ બાદ, એટલે ૨૭મી એ મુંબઈથી અજમેર પાછાં આવ્યાં ત્યારે હરબિલાસ સારદાએ તેમને સ્વામિ વિવેકાનંદ બાબતમાં પ્રશંસા કરતાં વિસ્તારપૂર્વક વાત કરી. હરબિલાસજીની વાતો સાંભળીને પંડિત શ્યામજીને સ્વામિ વિવેકાનંદને મળવાની ઉત્કંઠા ઉદભવી.. ભાગ્યોવસાત, પંડિત શ્યામજી બીજા જ દિવસે એટલે ૨૮મી એ પોતાનાં ધંધાર્થે બ્યાવર જવાનાં જ હતાં કારણકે ત્યાં એમની રાજસ્થાન કોટન પ્રેસ નામની રૂનાં જીનનાં કારખાનાની પેઢી ચલતી હતી. આ રીતે તા. ૨૮મી નવેમ્બર ૧૮૯૧નાં દિને પંડિત શ્યામજીની પ્રથમ ઐતિહાસિક ભેટ સ્વામિ વિવેકાનંદ સાથે બ્યાવર(Beawar)માં થઈ. ‘’જ્ઞાનીસે જ્ઞાની મિલે કરે બાતમ બાત’’ કહેવતનાં યથાર્થ મુજબ આ બન્ને વિદ્વાન મહાપુરુષોનાં મિલન દરમિયાન સાર્થક સંવાદો થયાં જ હશે.. સ્વામિ વિવેકાનંદ પંડિત શ્યામજીની વિદ્વત્તાથી એવાં પ્રભાવિત થયાં કે તેઓ શ્યામજીનાં અજમેર પાછાં આવી થોડો સમય તેમેની સાથે વિતાવવાનાં પ્રસ્તાવ અને આમંત્રણની અવગણના કરી શક્યાં નહીં. અજમેરથી નીકળી ગુજરાત થઈ મુંબઈ જવા રવાનાં થયેલાં સ્વામિ વિવેકાનંદને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા બેવરથી અજમેર તા ૨૯મી નવેમ્બર ૧૮૯૧નાં દિને સાથે લઈને બધાંનાં આશ્ચર્ય વચ્ચે પાછાં ફર્યાં. શ્રી હરબિલાસ સારદાની રોજનીશી અને પુસ્તક મુજબ સ્વામિ વિવેકાનંદ પંડિત શ્યામજીને ત્યાં લગભગ બે અઠવાડિયાં રહ્યા હતાં. શ્રી હરબિલાસ સારદાનાં સંસ્મરણો મુજબ તેઓ દરરોજ શ્યામજીનાં ઘરે સ્વામિ વિવેકાનંદને મળવાં જતાં હતાં અને ત્રણે વચ્ચે ધર્મ, સમાજશાસ્ત્ર,રાજનીતિ, સાહિત્ય અને તત્વજ્ઞાનનાં વિષયો પર ચર્ચા કરતાં. તા. ૧૨મી ડિસેમ્બર ૧૮૯૧ની રોજનીશીમાં હરબિલાસ સારદાએ લખ્યું છે કે, ‘’ શ્યામજી કૃષ્ણવર્માને ઘરે ગયો અને તેમની તથા સ્વામિ વિવેકાનંદની સાથે પગપાળાં એક લાંબી લટાર મારવાં નિકળ્યાં. રસ્તે વિવિધ વિષયો પર ચર્ચા કરી અને ખાસ કરીને ‘’માલ્થુસિયનિઝમ’’ અને સંન્યાસીનાં પૈસા ન સ્વિકારવાનાં નિયમ સંબંધમાં ચર્ચા થઈ ત્યારે શ્યામજી એ પ્રથાની વિરુદ્ધ હતાં જ્યારે સ્વામિ વિવેકાનંદ તેનો બચાવ કરતાં હતાં. શ્યામજીએ ઉલ્લેખ કર્યો હતો કે સ્વામિ દયાનંદે એ પ્રથાને થોડી બદલીને તેમને પોતાનું મંતવ્ય સખત સ્તરે લીધું હતું.’’ દિવાન બહાદુર શ્રી હરબિલાસ સારદાએ પોતાનાં સંસ્મરણોનાં પુસ્તકમાં ચોવીશમાં પાનાં પર પંડિત શ્યામજી અને સ્વામિ વિવેકાનંદનાં જ્ઞાન અને વિદ્વત્તાની તુલના કરતાં પોતાનો અભિપ્રાય આપતાં લખ્યું છે કે,’’ શ્યામજી તેમનાં (સ્વામિ વિવેકાનંદનાં) કરતાં સામાન્યરીતે ભણતરમાં તદોપરાંત હિંદુશાસ્ત્રનાં જ્ઞાનમાં પણ ઘણાંજ ચડિયાતાં હતાં.’’ આ હરબિલાસ સારદા જેવાં વિદ્વાનનો અભિપ્રાય શ્યામજીની અદ્વિતિય વિદ્વત્તા અને તેમનાં વિશાળ જ્ઞાનને સમર્થન આપે છે. પંડિત શ્યામજી સ્વામિ વિવેકાનંદ કરતાં ઉમરમાં છ વર્ષ મોટાં હતાં તદોપરાંત પંડિત શ્યામજીનાં જીવનનાં અનુભવો સ્વામિ વિવેકાનંદ કરતાં ઘણાં વધુ હતાં. પંડિત શ્યામજી તો સંસ્કૃત, કાયદાઅભ્યાસ, લેટિન ભાષા, ઈશ્વરજ્ઞાન, વેદાભ્યાસ અને અન્ય વિષયોમાં ભારત અને ઈંગ્લંડમાં અભ્યાસ કરી તેમાં પ્રવિણતા પ્રાપ્ત કરીને વિશ્વસન્માન અને પ્રસિદ્ધિ હાંસલ કરી વિદ્વતા પામી ચુક્યા હતાં જ્યારે એ સમયે સ્વામિ વિવેકાનંદજી એક ઉગતાં તારાં હતાં. સ્વામિ વિવેકાનંદજીનાં પંડિત શ્યામજી સાથેનાં આ પ્રથમ સત્સંગથી તેઓ પ્રેરણા, જ્ઞાન, સલાહ અને માર્ગદર્શન જરૂર પામ્યાં જ હશે. બન્ને મહાન ધર્મ પ્રચારક, રાષ્ટ્રવાદી રાષ્ટ્રપ્રેમીઓનું આ મિલનને એક ઐતિહાસિક મિલન આલેખી શકાય કારણકે સ્વામિ વિવેકાનંદનાં ભારત ભ્રમણ દરમિયાન અને ગુજરાત કે મુંબઇ રાજ્યનાં વિસ્તારમાં પ્રવેશ કરવાં પહેલાં તેમને મળનારાં પ્રથમ વિદ્વાન ગુજરાતી મુંબઈકર શ્યામજી કૃષ્ણવર્મા હતાં અને આ સંપર્કને કારણે જ સ્વામિ વિવેકાનંદ મુંબઈમા પંડિત શ્યામજીનાં ધનાડ્ય સસરાં શેઠ છબીલદાસ લાલુભાઈ અને તેમનાં મિત્ર અને સાળાં રામદાસ છબીલદાસનાં અતિથી બન્યાં હતાં. સ્વામિ વિવેકાનંદ જુલાઈ ૧૮૯૨માં મુંબઈ પધાર્યાં હતાં. બાબુ હરિદાસ ચેટરજીનાં ભાઈનું પ્રારંભિક આતિથ્ય પામ્યાં બાદ સ્વામિજીએ શેઠ છબીલદાસ અને બરિસ્ટર રામદાસનું આતિથ્યનો સ્વિકાર કરી તેમનાં સમુદ્ર તટ પર આવેલ ભવ્ય અને વિશાળ મકાન ‘સમુદ્ર વિલા’ નેપ્યન્સી રોડ [દોરાબ શાહ લેઈન] માં લગભગ બે મહિથી વધુ રોકાયાં હતાં. ધર્મપરાયણ અને ચુસ્ત આર્યસમાજી શેઠ છબીલદાસ લાલુભાઈનાં કુટુંબનાં આતિથ્યભાવ લહાવો લેનારા મહાન ધર્માત્માઓમાં સ્વામિ વિવેકાનંદનો ક્રમાંક સ્વામિ દયાનંદ પછી દ્વિતીય હતો. સ્વામિજીએ જુનાગઢના દિવાનને ૨૨મી ઓગસ્ટનાં લખેલ પત્ર અનુસાર સ્વાંમિજી શેઠના આતિથ્યભાવથી અત્યંત પ્રસન્ન હતાં તદોપરાંત તેઓ શેઠ છબિલદાસનાં કૌટુંબિક પુસ્તક સંગ્રહાલયનાં અમૂલ્ય અને અલભ્ય વેદીક શાસ્ત્રનાં સંસ્કૃત ગ્રંથોનાં સંગ્રહ્થી ઘણાં પ્રભાવિત અતિ પ્રસન્ન અને એનું અધ્યયન કરવાં ઘણાં આતુર હતાં . તેઓ આ ગ્રંથોનું અધ્યયન કરવાનો અવસર ચુકવાં માંગતાં ન હતાં કારણકેઆવાં ગ્રંથો બીજે ક્યાંયે મળવાની શક્યતા ન હતી. રામદાસ પણ સંકૃત ભાષા અને શાસ્ત્રોનાં જ્ઞાતા હતા આથી સ્વામિજીને તેમની સાથે ચર્ચા અને વિચારવિનીમયનો અલભ્ય મોકો મળ્યો હતો. સ્વામિજીનાં મુંબઈમાં રોકાણ દરમિયાન પંડિત શ્યામજી પણ અજમેરથી આવીને થોડો સમય સાથે રહ્યાં હતાં આમ સ્વામિજી અને પંડિત શ્યામજી સાથે વધુ સમય વિતાવવાનો અને ચર્ચા, વિચારણા, અધ્યયન અને જ્ઞાન પ્રાપ્તિનો બીજો મોકો પણ મળ્યો હતો. જ્યારે સ્વામિજી પુનાનાં પ્રવાસે નિકળ્યાં ત્યારે તેમને વી.ટી.સ્ટેશન પર મુકવા માટે રામદાસ અને પંડિત શ્યામજી ગયાં હતાં જ્યાં દેશભક્ત લોકમાન્ય બાળગંગાધર તીળકની આકસ્મિક મુલાકત અને પરિચય થયો હતો. રામદાસ અને શ્યમજીએ સ્વામિજીને તીળકજીનાં ઘરે રહેવા જણાવ્યું હતું.
દક્ષિણ ભારતની પરિક્રમા કર્યા બાદ વિશ્વધર્મ પરિષદ, શિકાગો, માં ભાગલેવાં માટે પ્રયાણ કરવાં સ્વામિ વિવેકાનંદ મે ૧૮૯૩ દરમિયાન મુંબઈ શેઠ છબીલદાસ લાલુભાઈને ત્યાં આવ્યાં અને તેમની સાથે એસ. એસ. પેનિન્સુલર નામનાં જહાજમાં જાપાન અને ચીન માર્ગે અમેરીકા જવાં તા ૩૧મી મે ૧૮૯૩ નાં શુભદિને પ્રસ્થાન કર્યું. શેઠ છબીલદાસ લાલુભાઈ સ્વામિજીની સાથે મુંબઈથી બોસ્ટ્ન સુધી સાથે જ હોવાનો ઉલ્લેખ મળે છે. એનાં ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે શેઠ છબીલદાસ સ્વામિજીનાં સંગાથે વિશ્વધર્મોની પરિષદમાં ભાગ લેવાં સાથે ગયા હતાં પણ ત્યાં ગયા બાદ મહાસભાની નિશ્ચિત તારીખ બે મહિનાઅ પછી હોવાને કારણે તેઓ પોતાનાં ધંધાકીય કાર્યોને લીધે લાંબો સમય રોકાય શકવાની શક્યતા ન જણાતાં તેઓ બોસ્ટન સુધી સ્વામિજીની સાથે રહ્યાં અને ત્યારબાદ તેઓ ઈગ્લંડ થઈને ભારત આવતાં પહેલાં સ્વામિજીને જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે તુરંત તેમની લંડન ઓફીસે તાર કરી પેસા મંગાવવાનું સુચન કરી અને વ્યવસ્થા પણ કર્તા આવ્યાં હતાં. જે સુચવે છે કે સ્વામિજીની અમેરીકાના પ્રવાસ માટેનાં ભંડોળમાં શેઠ છબીલદાસ અને શ્યામજીનીનાં મૌલિક અને આર્થિક સહકાર અને મદદ હોવાની શક્યતાને કોઈ લેખીત પુરાવા પ્રાપ્ય ન હોવા છતાં નકારી શકાય એમ નથી.
શિકાગોની વિશ્વધર્મોની પરિષદમાં આર્ય કે હિંદુ ધર્મની ધજાને સર્વોચ્ચ સ્થાને લહેરાવી સારાં એ અમેરીકા અને વિશ્વમાં આર્યધર્મ અને સંસ્કૃતિની જય જયકાર મચાવી સ્વામિ વિવેકાનંદ ઓગસ્ટ ૧૮૯૫માં ઈંગ્લંડ આવ્યાં હતાં જે સમયે શ્યામજી ભારતમાં જ હતાં પરંતુ સ્વામિજીનાં જુલાઈ-ઓગસ્ટ ૧૮૯૯નાં બીજાં પ્રવાસ દરમિયાન શ્યામજી લંડનમાં સ્થાયી થયાં હતાં જે સમય દરમિયાન શ્યમજી અને સ્વામિજીનો મેળાપ ન થયો હોય એ અશક્ય છે. આ ઉપરાંત સ્વામિજી અને મેક્સ મુલર વચે સંબંધોની સ્થાપના અને ઓક્ષફર્ડ યુનિવર્સિટીંમાં સ્વામિજીનાં ભાષણોનાં આયોજનમાં શ્યામજીની સંપર્કો અને સહકારની શક્યતા હોય શકે છે કારણકે શ્યામજિને મેક્સ મુલર સાથે અને ઑક્ષફર્ડ વિશ્વવિદ્યાલય સાથે ગાઢ સંબંધો હતા.
સમગ્ર રીતે જોતાં પંડિત શ્યામજી અને સ્વામિ વિવેકાનંદની પ્રથમ મુલાકાત સ્વામિજીનાં જીવનમા શુભદાયી અને લાભદાયી બની રહી હોવાનાં નિવેદનને સાર્થક અને સત્ય આલેખી શકાય. મોટાં ભાગનાં શ્યામજીનાં પત્રો અને રોજનીશી અપ્રાપ્ય હોવાને કારણે આ બે મહાન વ્યક્તિ વચ્ચે વિકસેલ સંબંધોનાં પુરાવાં પ્રાપ્ત નથી પરંતુ એ વિષયમાં આ બન્ને મહાન વ્યક્તિઓનાં પ્રાપ્ય પત્રો અને લખાણો અને રોજનીશીમાં ગહન શોધની આવશ્યક્તા છે જે કદાચ ભવિષ્યમાં આ સંબંધમાં વધુ પ્રકાશ પાડી શકવાની શક્યતા છે. તેમ છતાં એ એ વાત જરૂર પૂરવાર થાય છે કે સ્વામિ વિવેકાનંદ અને પંડિત શ્યામજીનાં અનોખાં મિલને સ્વામિ વિવેકાનંદનાં જીવનમાં ચારિત્ર્ય ઘડતર, જ્ઞાન, અનુભવ અને સંપર્કો સ્થાપિત કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કર્યો હોવાની વાતને નકારી શકાતી નથી. સ્વામિ વિવેકાનંદને એમનાં પરદેશ જવા પહેલાં પંડિત શ્યામજીનાં સંપર્કથી તેંમને શ્યામજી અને તેમનાં સાળા રામદાસ પાસેથી પશ્ચિમી જીવન અને રહેણીકરની અને અન્ય વિષયો પર સુચના પણ જરૂર પ્રાપ્ત થઈ હશે જે તેમને તેમનાં પ્રદેશનાં પરિભ્રમણમાં લાભદાયકયક સાબીત થઈ હશે. આ રીતે સ્વામિ વિવેકાનંદ અને પંડિત શ્યામજીનાં અનોખાં મિલનના પ્રસંગને સ્વામિ વિવેકાનંદના જીવનમાં એક મહત્વનો ઐતિહાસિક પ્રસંગ તરીકે આલેખી શકાય છે.
DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.