ઓપરેશન બ્લંડર
Operation Blunder - Indira Gandhi
Operation Blunder - Indira Gandhi
ઈમરજન્સી પછી ઈંદિરા હારી ગયા અને મોરારજી દેસાઈની સરકાર બની ગઈ હતી. લોકોમાં ઈન્દિરા પ્રત્યે ખુબ રોષ હતો. આનો લાભ લઈ કેન્દ્રીય ગૃહમંત્રી ચરણ સિંહ ચૌધરી ઈન્દિરાને જેલમાં પુરવા આતુર હતા. પણ મોરારજી દેસાઈ ઈન્દિરાને મજબૂત સબૂત વગર પકડવા નહોતા માંગતા. ઈમરજન્સી વખતે સરકાર દ્વારા અત્યાચારો તો ઘણા થયેલા પણ વગર સબૂત કામ કરવું મુનાસીબ નહોતું. આ માટે શાહ કમીશન બનાવવામાં આવ્યું. રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર માટે 100 જેટલી જીપ ઈન્દિરાએ ખરીદેલી પણ તેના પૈસાની ચૂંકવણી ઉદ્યોગપતિઓ અને સરકારી પૈસાથી કરવામાં આવેલી. આ મજબૂત કારણ હતું ભ્રષ્ટાચારના આરોપ લગાવી પકડવાનું.
ઇન્દિરાને પકડવા માટે પહેલા 1 ઓક્ટોબર 1977 ની તારીખ નક્કી થઈ હતી પરંતુ ચર્ચાઓ કર્યા પછી બે દિવસ પછી એટલે કે 3 ઓક્ટોબર 1977 ના રોજ ઈન્દિરાને પકડવામાં આવ્યા. તેને કીંગ્સવે કેમ્પની પોલિસ લાઈનમાં ગેઝેટેડ ઓફિસર્સ મેસમાં રાખવામાં આવ્યા અને પછી 4 ઓક્ટોબરે તેને મેજીસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા. જ્યા ટેકનિકલ લુપહોલથી તેઓ છૂટી ગયા. એ પછી ઈન્દિરાને 9 જાન્યુઆરી 1978 માં શાહ કમીશન સામે હાજર રહેવા કહેવામાં આવ્યું પણ ત્યાં તેઓએ કોઈ બયાન આપ્યું નહી. ત્યાં સુધીમાં ઇન્દિરા ગાંધી કર્ણાટકના ચીકમંગલૂરમાં પેટા ચૂંટણી જીતી સંસદ સુધી પહોંચી ગયા. તો સરકારે 19 ડિસેમ્બર 1978 માં સરકારે ઈન્દિરા ગાંધીનું સંસદ સભ્ય પદ ખતમ કરવા ઠરાવ પાસ કર્યો અને સીબીઆઈ અધિકારીઓએ સંસદમાંથી જ સીધી ઈન્દિરા ગાંધીની ધરપકડ કરી અને તિહાર જેલમાં મોકલી આપ્યા. તે ત્યાં એક અઠવાડિયું જેટલું રહ્યા. આ સમય દરમિયાન જનતામાં ઈન્દિરા ગાંધી માટે જનતાને સહાનુભૂતિ થઈ. એક બિચારી વિધવા નારી ને આવી રીતે જેલ કરવા બદલ લોકો સરકાર વિરુદ્ધ થઈ ગયા. ઇન્દિરામાં લોકોને દેશની બેટી દેખાવા મંડી, લોકો ભાવુક બની ગયા કે બિચારી વિધવા બેટી.
ત્યાં સુધીમાં શાહ કમિશનનો રિપોર્ટ આવી ગયો જેમાં ઈન્દિરા ગાંધીને દોષી માનવામાં આવ્યા. પણ જનતાના દિલમાં ઈન્દિરાએ સ્થાન બનાવી લીધું હતું. હવે 1979 માં ચરણ સિંહ ચૌધરી અને રાજ નારાયણ જેવા નેતાઓની મહત્વાકાંક્ષાને પારખી લઈ ઈન્દિરા ગાંધીએ ચૌધરી ચરણ સિંહને બહારથી સપોર્ટ કર્યો અને 28 જુલાઈએ ચૌધરી ચરણ સિંહ પીએમ બન્યા અને મોરારજી સરકાર ગઈ જોકે નવી સરકાર બહુમતી પુરવાર કરે તે પહેલાં ઈન્દિરા ગાંધીએ તેને ટેકો પાછો ખેચી લીધો. આમ હવે ફરી ચૂંટણી આવી પડી. રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડીએ ચરણ સિંહ ચૌધરીને કેરટેકર પ્રાઈમ મિનિસ્ટર તરીકે 14 જાન્યુઆરી1980 સુધી ચાલું રાખ્યા.
તો બીજી તરફ સરકારે કરેલી આ ભૂલોને મીડિયાએ ઓપરેશન બ્લંડર નું નામ આપ્યું. આ ઘટનાથી અંધાધૂંધ પગલાથી લોક જુવાળ ઇન્દિરા તરફી થઈ ગયો એ પછીની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી સાથે જનતાની સહાનુભૂતિ હતી. ઈન્દિરાએ ચૂંટણીમાં વિકટીમ કાર્ડ નો ભરપૂર ઉપયોગ કર્યો અને લોકોએ ઈન્દિરાને વધાવી લીધા. ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો ભવ્ય વિજય થયો
આ ઘટનાથી એક વાત સાબિત થઈ ગઈ હતી કે વિક્ટીમ કાર્ડનો ઉપયોગ કરી રાજકારણીઓ ગમે તેવી ભૂલ કરી હોય તો પણ ફરીથી ચૂંટણી જીતી સત્તા પણ આવી શકે છે. કદાચ આ લોકશાહીની સૌથી મોટી ખામી છે.
DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.