-હેમંતકુમાર ગજાનન પાધ્યા

 

પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું જીવન એક અત્યંત રસસ્પદ અને સામાન્ય વ્યક્તિને ઘણી જ પ્રેરણા આપનારું છે. પંડિત શ્યામજી, ગાંધીજીની જેમ કોઈ દિવાનનાં પૈસાદાર કે ધનાડ્ય કુટુંબમાં જન્મ્યા ન હતાં પરંતુ બુદ્ધી, પ્રતિભા, ચતુરાઈ, સામર્થ્ય અને આત્મબળથી પોતે દિવાનનાં પદ પર વિરાજમાન થઈ શક્યાં હતાં. જહાજોનાં બંદરે એક સામાન્ય મજૂરી કરતાં અને રૂની ગાંસડિઓ જહાજમાં લાદનારા એક ગરીબ મજૂરનાં તેઓ એક એવાં અનોખા સુપુત્ર હતાં કે જેમણે રૂની ગાંસડિઓનાં કારખાનાંઓ ખોલીને એક ઉદ્યોગપતિ પણ બન્યા હતાં. પંડિત શ્યામજી એક બ્રહ્મણ ન હોવાં છતાં સંસ્કૃતમાં વિદ્વત્તા પ્રાપ્ત કરીને પંડિતની પદવીને પ્રાપ્ત કરી સારાં એ વિશ્વમાં ભારતનું નામ ઉજાળ્યું હતું. પોતાની માતૃભૂમિને સ્વતંત્ર કરવા ધન, વૈભવ, સન્માન અને પદનો ત્યાગ કરી પોતાનું સર્વસ્વ બલિદાન કરનારાં પંડિત શ્યામજી ઓગણિશમી સદીનાં પ્રારંભિક કાળનાં સર્વપ્રથમ ભારતીય ગુજરાતી વિરપુરુષ હતાં. ગાંધીજી ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં પ્રવેશ કરે તેનાં પંદર વર્ષ પહેલાં તેમણે ભારતની સ્વતંત્રતા માટે લંડનમાં ચળવળ ચલાવી હતી ભારતને બ્રિટીશ સામ્રાજયની પરતંત્રતા અને યાતનાઓમાંથી મુક્ત કરાવાવા અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા અહિંસા, અસહકાર,  અસહયોગ  અને  બહિષ્કારના શસ્ત્રનો ઉપયોગ કરવાનો સર્વ પ્રથમ બોધપાઠ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એ આપ્યો હતો જેને ગાંધીજીએ કાળાંતરે ૨૫ વર્ષ પછી અસહકાર આંદોલનનું નવું નામ આપી ચળવળ ચલાવી હતી. આ રીતે જોતાં ગાંધીજી તો પંડીત શ્યામજી અને એની આ વિચારધાનાં અનુગામી હતાં જ્યારે પંડીત શ્યામજી તો ભારતની સ્વતંત્રતાનાં સંગ્રામમાં ગુજરાતનાં સર્વ પ્રથમ લડવૈયા અને મહાપુરુષ હતાં. 

પંડિત શ્યામજી જેવી ભારતની આ મહાન વિભૂતિનાં જીવન ચરિત્રનાં ઘડતરમાં બાળપણથી તે  અંત્યેષ્ઠી પર્યંત તેમનાં સંસ્મરણોને જીવંત રાખવામાં ઘણી જ્ઞાતિઓનાં મહાનુવોએ ભાગ ભજવ્યો છે તેમ છતાં બ્રાહ્મણોની જ્ઞાતિનાં મહાનુભાવોએ અર્પેલાં સહયોગ, મદદ અને યોગદાને અત્યંત મહત્વની અને અગત્યની ભૂમિકા ભજવી છે. સર્વપ્રથમ માંડવીમાં શ્યામજીને પ્રારંભિક શિક્ષા અને સંસ્કૃતભાષાનું પ્રારંભિક જ્ઞાન શ્રી ભૂ. ભૂ પંડ્યા નામના બ્રાહ્મણે તેમની નાનકડી પાઢશાળામાં આપ્યું હતું. ત્યારબાદ ભુજમાં પ્રખ્યાત વકીલ શ્રી શિવજીભાઈ જોશીએ  નિરાશ્રિત બાળક શ્યામજી અને તેમનાં  દાદીને પોતાનાં ઘરે આશ્રય આપી શ્યામજીને નિશાળમાં આગળ ભણવાની વ્યવસ્થા કરી અપાવી હતી તેમજ તેમનાં ચાતુર્યને ઓળખીને શીવજીભાઈએ ભાટિયા શેઠ શ્રી મથુરાદાસ લવજીને મુંબઈની નિશાળમાં ભણાવવાં ભલામણ કરી હતી. મુંબઈમાં શાસ્ત્રી વિશ્વનાથજીની પાઠશાળામાં રહી શ્યામજીએ તેમનાં શિષ્ય તરીકે સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો હતો અને વિલ્સન હાઈસ્કુલમાં અને એલ્ફિસ્ટનમાં પણ અભ્યાસ કર્યો. શ્યામજીને સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને શાસ્ત્રોનું જ્ઞાન આપી તેમને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન બનાવવામાં સંસ્કૃતનાં પ્રખર વિદ્વાન બ્રાહ્મણ શાસ્ત્રી વિશ્વનાથએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  આ ઉપરાંત પંડિત શ્યામજી અત્યંત જ્ઞાની ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સંન્યાસી સ્વામિ દયાનંદ સરસ્વતિજીનાં સંપર્કમાં આવ્યાં. તેમની પાસે ધર્મજ્ઞાન અને વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી તેમના અનુયાયી બન્યાં અને આર્યસમાજનાં ધર્મપ્રચારક બની ભારત પર્યટન કર્યું હતું અને ભારત ભરમાં નામના પ્રાપ્ત કરી હતી.   સ્વામિજીનાં આશિર્વાદ લઈ ઓક્સફર્ડ યુનિવર્સીટીંમાં સંસ્કૃતનાં પ્રાધ્યાપકનાં સહાયક તરીકે નોકરી કરવાં તેમજ સાથે સાથે વધુ અભ્યાસાર્થે ઈંગ્લંડ ગયાં.   જયાં તેમણે પોતાની પ્રતિભાથી અને સંસ્કૃતનાં જ્ઞાનથી ભારતનું નામ વિશ્વમાં પ્રચલિત કર્યું. આ રીતે શ્યામજીને એક નવો માર્ગ બતાવીને ભારતભરમાં અને વિશ્વમાં નામના મેળાવવામાં  મહત્વની ભૂમિકા ભજવનાર મહર્ષિ દયાનંદજી  બ્રાહ્મણ હતાં.

જ્યારે અભ્યાસ પૂર્ણ કરી એમ.એ. અને બેરીસ્ટર ની પદવી પ્રાપ્ત કરી ભારત પાછાં ફર્યાં ત્યારે શ્યામજીને રાજ્યસરકારનો કોઈ મહાવરો ન હોવાં છતાં પણ તેમનાં સુપરિચિત પૂનાનાં સમાજસુધારક બ્રાહ્મણ રાયબહદુર શ્રી ગોપળ હરી દેશમુખે રતલામનાં મહારાજાને પોતાનાં સ્થાને રતલામનાં દિવાન તરીકે નિયુક્ત કરવાં આગ્રહ કર્યો હતો. શ્યામજીનો પરિચય રાયબહદુર શ્રી ગોપળ હરી દેશમુખ સાથે તેમનાં સમાજસુધારા અને ધર્મશાસ્ત્રનાં પ્રવચનો દરમિયાન પુનામાં થયો હતો અને તે પછી બન્ને વચ્ચેનાં સંબંધો ગાઢ મિત્રાચારીમાં પલટાયાં હતાં. રાયબહદુર શ્રી ગોપળ હરી દેશમુખ  પંડિત શ્યામજી નાં વ્યક્તિત્વ અને ચાતુર્યથી ઘણાંજ પ્રભાવિત હતાં. પંડિત શ્યામજી નાં ભારત આગમન સમયેજ  રાયબહદુર શ્રી ગોપળ હરી દેશમુખે રતલામનાં દિવાન તરીકે નિવૃત્ત થવાનાં હતા આથી તેમણે રતલામનાં મહારાજાને ભલામણ કરી પોતાનું સ્થાન પંડિત શ્યામજીને આપવાં આગ્રહ કર્યો હતો અને રાજાએ તેમનાં બાહોશ અને પીઢ  દિવાન પર વિશ્વાસ હોવાથી તેમની વિનંતી અને પસંદગીને માન આપી પંડિત શ્યામજીને દિવાનગીરીનો કોઈ પણ અનુભવ ન હોવાં છતાં પણ રતલામ રાજ્યનાં નવા દિવાન તરીકે નિયુક્ત કર્યાં હતાં. જેમ એક અનુભવી ઝવેરીને હિરાનાં સાચાં મૂલ્યનો અંદાજ હોય તેમ એક પીઢ, પ્રખ્યાત  અને યશસ્વિ  દિવાન રાયબહદુર શ્રી ગોપળ હરી દેશમુખને શ્યામજીની લાયકાત અને કાબેલીયત પર વિશ્વાસ હતો જેને પંડિત શ્યામજીએ પોતાની બુદ્ધિમતા અને , ચપળતા અને ચાતુર્યથી એક ઉમદા દિવાન તરીકે પદ સંભાળીને એ પૂરવાર કર્યું હતું. આ રીતે પંડિત શ્યામજીને વિના અનુભવે પણ દિવાનપદ અપાવી તેમની કારકિર્દિનો શુભારંભ કરાવી તેનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવાંમાં પણ એક બ્રાહ્મણનો જ હાથ હતો. 

જ્યારે શ્યામજી જુનાગઢનાં મુસ્લિમ નવાબનાં રાજ્યમાં દિવાન તરીકે નિયુક્ત થયાં હતાં ત્યારે તેમને એ રાજ્યનાં અન્ય વહિવટકર્તાઓએ તેમને રાજકીય શડયંત્રમાં ફસાવ્યાં હતાં જેનાં વિરુદ્ધ બ્રિટીશ સરકારને કરેલ ફરિયાદ નામામાં પૂનાનાં પ્રતિષ્ઠિત બ્રાહ્મણ અને દેશભક્ત લોકમાન્ય બાળગંગાધર તિળકે શ્યામજીને એક મિત્ર તરીકે સલાહ, સહકાર અને સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત શ્યામજીનાં જીવનમાં દેશભક્તિની ચિનગારીઓને પ્રજ્વલિત કરવામાં પણ લોકમાન્ય બાળગંગાધર તિળકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારત ભૂમિને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતામાંથી મુક્ત કરવાને માટે પંડિત શ્યામજીએ ગાંધીજી કરતાં ૧૫ વર્ષ પહેલાં લંડનમાં ‘’ઈન્ડિયન હોમ રૂલ સોસાયટી’’ ની સ્થાપના કરી અંગ્રેજો સામે ખુલ્લે આમ ચલવળ ચલાવી હતી. તેમણે બ્રિટીશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ પ્રચાર ફેલાવવાં અને ભારતની સ્વતંત્રતા માટે જાગૃતિ ફેલાવવાં ‘’ધ ઈન્ડિયન સોસિયોલોજીસ્ટ’’’ નામનું સમાચાર પત્ર પણ સન ૧૯૦૫માં શરૂ કર્યું હતું. આ ઉપરાંત બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસાર્થે આવતાં ભારતનાં નવયુવાનોમાં દેશભક્તિ જાગૃત કરી તેમને સ્વતંત્ર્ય સંગ્રામ લડવાં માટે પ્રોત્સહિત કરવાં ‘’ ઈન્ડિયા હાઉસ’’ નામની છાત્રાલયનું નિર્માણ કર્યું હતું અને ભારતથી  વધૂ અભ્યાસાર્થે આવતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ શરૂ કરી હતી. શ્યામજીની આજ શિષ્યવૃત્તિ પર મહારાષ્ટ્રનાં બ્રાહ્મણ પરિવારનાં શ્રી વિનાયક દામોદર સાવરકર લોકમાન્ય તીળકજીની ભળામણથી લંડન આવ્યાં હતાં. જેમણે પંડિત શ્યામજીનાં શિષ્ય તરીકે સ્વાતંત્ર્યનાં પાઠો ભણીને પંડિત શ્યામજીની વિચારધારા અને  તેમનાં સ્વતંત્રતાનાં સંગ્રામનાં અભિયાનને  આગળ ધપાવવાં અહમ ભૂમિકા ભજવી હતી.

પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં દેહાંત પૂર્વે તેમનું સર્વપ્રથમ જીવન ચરિત્ર ઈંગ્લીશ ભાષામાં લખનાર  લેખક સ્વર્ગસ્થ શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક પણ નડિયાદનાં બ્રાહ્મણ હતાં જેમને શ્રીંમતિ ભાનુમતિ કૃષ્ણવર્માનાં વસિયતનામાનાં વહિવટદાર સ્વ. સરદાર્સિંહ રાણાજીએ શ્રી શ્યામજી કૃષ્ણવર્માનું જીવન ચરિત્ર લખવાં માટે નિયુક્ત કર્યાં હતાં અને તેમને સર્વ માહિતિઓ અને દસ્તાવેજો પલબ્ધ કરાવ્યાં હતાં. ‘’Shyamaji Krishnavarma: life and times of an Indian revolutionary’’ નાં શિર્ષક હેઠ ૧૯૫૦માં પ્રકાશિત થયેલ આ સર્વપ્રથમ પુસ્તક શ્યામજીનાં જીવન ચરિત્રનાં પુસ્તકોમાં એક શિરોમણિ સમાન છે કારણકે કાળાંતરે પ્રકાશિત થયેલાં અન્ય પુસ્તકો મહદ અંશે આ જ પુસ્તક પર આધારિત છે. જો આ પુસ્તક એ સમયે લખાયું ન હોત તો આજે  પંડિત શ્યામજીનાં જીવન અને કાર્યો વિષે અત્યંત જુજ માહિતીઓ પ્રપ્ય હોત ! આ રીતે પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન અને કાર્યો પર એક ણમોલ ઐતિહાસિક પુસ્તક લખી તેમનાં સંસ્મરણોને સદા જીવંત બનાવનાવી સદા ઝળહળતું રાખવામાં યોગદાન આપનાર શ્રી ઈન્દુલાલ  યાજ્ઞિક એક બ્રાહ્મણ જ હતાં. સમય સમયે  પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન પર નાનાં મોટાં પુસ્તકો લખનારાં ઇતિહાસવિદ લેખકોમાં શ્રી ધનવંતભાઈ ઓઝા, શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને ડૉ. આરતીબેન પંડ્યા તથા શ્રીમતિ દક્ષાબેન ઓઝા પણ બ્રાહ્મણ જ્ઞાતિનાં છે કે જેમણે પંડિત શ્યામજીની સ્મૃતિને સદા જ્વલંત રાખવામાં અમૂલ્ય યોગદાન અર્પણ કર્યું છે. તદોપરાંત ગુજરાત સરકાર માટે શ્યામજીનાં જીવન પર સર્વપ્રથમ દીર્ઘ રંગીન વૃત્ત ચલચિત્ર બનાવનાર શ્રી નરેન્દ્ર  દવે પણ અમદાવાદનાં બ્રાહ્મણ જ છે. તેમણે બનાવેલ આ ચલચિત્રને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ચલચિત્રોની શ્રેણીંમાં પ્રથમ પારિતોષિક મળ્યું હતું અને તેને ‘દૂરદર્શન’ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું.

પંડિત શ્યામજી અને અને તેમની પત્ની ભાનુમતિ જીના અસ્થિઓ લગભગ સાત દશક્થી જીનિવાનાં સ્મશાનગૃહમાં ભારત આવવાંની ચીર રાહ જોઈ રહ્યાં હતાં. ભારત ખાતેની મુંબઈ અને માંડવી, કચ્છ સ્થિત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ફાઉન્ડેશન સંસ્થાનાં સભ્ય મંગળ ભાઈ ભાનુશાળી આ અસ્થિઓને ભારત લાવવાં અથાગ પ્રયત્નો  અને પત્ર વ્યવહાર કરતાં હતાં  પરંતુ અનેક દુવિધાઓ અને સિધાં સંપર્કના અભાવે જે શક્ય બની શક્તું ન હતું. આવી પરિસ્થિતિમાં મિલ્ટન કિન્સ, ઈંગ્લંડ રહેતાં અને પંડિત શ્યામજીનાં વિષયમાં અભ્યાસ અને શોધખોળ કરતાં પ્રવાસી ભારતીય શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાએ (લેખક) કૃષ્ણવર્મા દંપતિનાં અસ્થિઓને ભારત મોકલવાનાં દ્રઢ નિશ્ચય અને સંકલ્પ સાથે બિડું ઝડપી કાર્યરત થયાં. તેમણે ભારતની સ્વતંત્રતાની ૫૦ મી જયંતિ ઉત્સવનાં ટાણે હિંદુ સ્વાતંત્ર્યવિર સ્મૃતિ સંસ્થાનમ નામની સંસ્થાની સ્થાપના કરી. પોતાની શોધખોળના આધારે તેમણે અસ્થિઓનો કબ્જો સંભાળનાર સ્થાનિક સરકાર  વિલે ડિ જીનિવનો સંપર્ક સાધીને લાંબાગાળા દરમિયાન પત્રવ્યવહાર ને ફોન પર ચર્ચા કર્યાં બાદ ચર્ચા વિચારણા તેમજ જરૂરી વિગતો પ્રાપ્ત કરવાં સ્વયં જીનિવા જઈને સ્થાનિક સરકારનાં સર્વોપરી મિ. મેન્યુએલ ટોનએર અને મિસ. લકર-બબેલ તેમજ પંડિત શ્યામજી અને ભાનુમતિજીનાં હંગામી વકિલ અને વસિયતનામાનાં સંરક્ષક મિ.મૌરિસ હેસ સાથે મુલાકાત કરી. સતત પત્રવ્યવહાર, ફોન પર વાતચીત અને કેટલીયે મુલાકાતોને અંતે ૨૦૦૨ નાં અંત ભાગમાં શ્યામજીની અસ્થિઓને ભારત લઈ જવા માટેની અખરી રુપરેખા તૈયાર કરવામાં આવી. ત્યારબાદ હેમંતકુમાર પાધ્યાએ મુંબઈ, ભારત જઈને શ્રી મંગળભાઈ અને શ્રી કિરીટ સમૈયાજી સાથે ચર્ચાવિચારણ કરી સ્વિઝર્લેંન્ડ્નાં કાયદા અનુસાર   ભારત સરકારની વિદેશ મંત્રાલયનાં મંત્રી શ્રી વિનોદ ખન્નાજીને હસ્તાક્ષેપ કરવાં વિનંતિ કરવામાં આવી હતી અને અંતે તેમનાં હસ્તાક્ષેપથી ભારત સરકાર અને ગુજરાત સરકારનાં સહયોગથી કૃષ્ણવર્મા દંપતિનાં અસ્થિઓને તા ૨૨મી ઓગસ્ટ ૨૦૦૩નાં રોજ વિલે ડિ જીનિવની સ્થાનિક સરકારે આ  અસ્થિઓને ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હેમંત પાધ્યા, મંગળ ભાનુશાલી અને કિરીટજી સોમૈયાજીની હાજરીમાં સુપ્રત કર્યાં હતાં. આ ઉપરાંત પંડિત શ્યામજીનાં સંસ્મરણોને તાજાં કરી તેને જાળવી રાખવાં હેમંત પાધ્યાએ અનેક કાર્યો કર્યાં છે. જેવાં કે ..[૧]  પંડિત શ્યામજીનાં ઘર પર સ્મૃતિ તક્તિની સ્થાપના [૨] પંડિત શ્યામજીનાં જીવન પર ગુજરાતી અને ઈંગ્લીશમાં સંક્ષિપ્ત જીવનચરિત્ર પર પુસ્તકો અને ઈ-પુસ્તકોનું પ્રકાશન [૩] પંડિત શ્યામજીનાં જીવન અને કાર્યો પર સી.ડી. રોમ અને ‘કાવ્યાંજલિ’ સી.ડી. આલ્બમનું નિર્માણ અને પ્રકાશન [૪] ‘ફોટોગ્રાફિક રેમીનિસેન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા’ પુસ્તક્નું નિર્માણ અને પ્રકાશન [૫] પંડિત શ્યામજીનાં જીવન પર વેબસાઈટ્નું નિર્માણ https://panditshyamajikrishnavarma.webs.com/  [૬] કોલેજ ડી ફ્રાન્સ, સોબોર્ન યુનિવર્સિટિ, પરીસ, અને ઓ. સે. ફોર હિન્દુ સ્ટડિઝ, યુનિ. ઓફ ઓક્ષફર્ડ માં પંડિત શ્યામજીની સ્મૃતિમાં રૌપ્ય ચંદ્રકની સ્થાપના [૭] યુનિ. ઓફ ઓક્ષફર્ડની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ લાયબ્રરીનાં સ્મારક હોલમાં પંડિત શ્યામજીનાં ચિત્રની સ્થાપના. આ રીતે પંડિત શ્યામજીનાં અસ્થિઓને ભારત લાવવાનાં અભિયાનમાં મહત્વ અને અગત્યનો ફાળો આપનાર તેમજ તેમની સ્મૃતિ અને સંસ્મરણોને સજીવન કરવાં માટે મોટું યોગદાન આપનાર વ્યક્તિ શ્રી હેમંતકુમાર ગજાનન  પાધ્યા પણ અક ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. જે પુરવાર કરે છે કે પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન ઘડતરમાં અને તેમનાં મૄત્યુ પર્યંત તેમની સ્મૃતિને ઉજાગર કરવામાં બ્રાહ્મણોનું યોગદાન અત્યંત મહત્વનું અને ગણના પાત્ર છે

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.